એમ તો તમને ટાઇટલ વાચીને ખ્યાલ તો આવી ગયો જ હશે આમાં કઈક નાના મોઢે મોટી વાત થઈ રહી છે. હું અંકિત શેલડિયા મારા નાના ભાઈ મેહુલ શેલડિયા સાથે નીકળી પડેલ એક અનોખી ગુજરાત યાત્રા માટે. આ યાત્રાની ખાસ વાત એ હતી કે કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ ન હતું, બસ અમે બે ભાઈઓ અને એક લાલ કલરનું ભડભડિયું જેન પ્રેમથી હવે હું મિસ્ટર ભડભડ કહીને બોલાવીશ. મિસ્ટર એટલે કે કોઈ પણ લવારી કર્યા વગર એને અમારો સાથે આપ્યો એ પણ પૂરા 2220 કરતાં પણ વધારે કિલોમીટર લાંબી યાત્રા એ પણ કોપાયમાન સુરજ દાદાની હાજરીમાં, એ કામ કોઈ ભાઇડાનું જ હોય. તો આ બ્લોગ પર મારે માત્ર તમોને એ યાત્રામાં સહભાગી બનાવવાના છે, એ પન વ્ર્ચુયલી બોલે તો ઘરે બેઠા બેઠા. કેમ કે બધા મારી જેવા એક ઓછો આંટા વાળા ના હોય કે એસી કાર ને બસની સગવડ મૂકી મોટરસાયકલ પર આવડી લાંબી સફર ખેડવા તૈયાર થઈ જાય. એટલે એ બધા સમજુ લોકો માટે અહી આંગળીના ટકોરે હું એ અનુભવ લઈને વહેચવા આવ્યો છુ એ પણ મફત. તો હેલ્મેટ પેરીને થઈ જજો તૈયાર. બુલેટ ટ્રીપ ફ્રોમ સુરત તો કચ્છ વાયા બગદાણા, દીવ, સોમનાથ, દ્વારકા, જામનગર, ભુજ, ધોરડો, ધોળાવીરા, પાટણ, મોઢેરાઆમ હું જર્મની છું છેલ્લા પાંચેક વર્ષથી, પણ મોટરસાયકલ ચલાવવાનો જબરો સોખ. એમાય પપ્પાનું ગેરેજ એટલે નવી નવી ગાડીઓ જોવાને ચલાવવા મળી રહતી. મારી પેલી બાઇક પ્રેમિકા બોલે તો મારી હીરો હોંડા CBZ સાથે મે સુરતના ખૂણે ખૂણા ફરી લીધા. દૂર દૂર સુધી પણ લઈ ગયો બાઇકને બાઇક સાથે બીજા ઘણા લોકોને પણ. આ વખતે જ્યારે ભારત આવવાની વાત આવી ત્યારે મે અગાઉ જ પાપાને ફોન કરી એક મસ્ત મજાનું ભડભડિયું લેવા કહી રાખેલ. પાપા એ મસ્ત ઓછા કિલોમીટર ચાલેલ રોયલ એનફિલ્ડ ઠંડરબર્ડ ૩૫૦ લઈ રાખ્યું. અને મે જેવી આ બાઈકની સીટ પર મારી સીટ મૂકી, લવ એટ ફર્સ્ટ ટચ. એકદમ મારા માટે જ બનેલી હોય એમ લાગ્યું. ખૂબ જ સારી રીતે એ બાઇક મને ફાવી ગઈ, બાકી જર્મનીમાં મે દુકાટી ને હારલી પણ ચલાવેલ, પણ આના જેવો કનેક્શન ક્યારેય ના લાગ્યું. એટલે બુલેટ આવે ને લોકો લદાખ જવાની વાત ના કરે તો એ ભાઈમાં કઈ ખામી હોય એવું સમજવું. મે નક્કી કરેલ લદાખ તો જાશું જ આજે નઇ તો કાલે, પણ આપણે સ્કૂલમાં ભણતા આવ્યા છીએ કે ગુજરાતને દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો મલેલ છે, તો એ દરિયા કિનારની સફરને કચ્છના સફેદ રણ સાથે જોડીએ તો ખૂબ જ સરસ એવી ટ્રીપ થાય. ઘણું બધુ જોવા લાયક પણ મળે અને રાઈડનો અનુભવ પણ થાય. તો એમ કરતાં આ ટ્રિપને નામ આપ્યું મે ડબલિંગ ૧.૦ કમ ગુજરાત દર્શન. ડબલિંગ ૧.૦ કમ ગુજરાત દર્શન : સુરતથી ઘોઘા (હજીરા-ઘોઘા રો રો ફેરી) થઈને માદરે વતન કુંભારિયાદરિયા કિનારે જતાં પેહલા દરિયામાં જવાની એટલે કે હોડીમાં બેસવાનો મોકો મારે જતો નતો કરવો એટલે મે હજીરાથી ઘોઘા રો રો ફેરીની સર્વિસ લેવાનું નક્કી કર્યું. એક બાજુ કઈક નવું થઈ જાય અને બિન જરૂરી ગાડીના કિલોમીટર પણ કપાય જાય અને ૪ થી ૫ કલાકમાં પહોચી જાવ તમે સીધા ભાવનગર ઘોઘા. આ રીતની સફર મે જર્મનીથી ડેન્માર્ક જતી વખતે કરેલ, એ બોટ થોડી હાઈકલાસ કહી સકો, તેમાં શોપિંગ રેસ્ટોરન્ટ વગેરે એ પણ માત્ર એક કલાકની યાત્રા માટે. આપણી દેશી બોટમાં પણ નાનું કાફે તો હતું જ, પણ આપણી પ્રજાને ધ્યાનમાં રાખીને લક્ષરીમાં થોડો કાપ મૂકવો પડે. હવે તમે કહશો કેમ, તો આ બોટમાં પણ મને પાનમાવાની પિચકારીઓ દેખાણી. સાફ રીતે નોટિસો મારેલ કે પાનમાવા અહિયાં થૂંકવા નહીં, વાત તો ખાવાની જ ના પાડેલ. આપણી જંગલી પ્રજા થોડી સમજવાની. પાછા વાત વાતમાં સરકારનો વાંક કાઢસે, અમને સુવિધાઓ નથી આપતા, પણ આવા લોકોને તૂટેલી એસટી બસો સિવાય બીજુ કઈ દેવાય એમ મને નઇ લાગતું. આ જંગલીઓને બાદ કરતાં, ખૂબ જ સારી વ્યવસ્થા, અંદર એસી અને સાથે મનોરંજન માટે એલ. સી.ડી ટીવીઓ, ને પાછળ કાફે જેમાં ચા નાસ્તા સાથે મોડર્ન ફાસ્ટફૂડ, અને ટોપ ડેક પર બેસવા માટે બેંચો, અને સાથે વાગતા ફિલ્મી ગીતો અને ગરબા, એટલે ચારે કોર ફેલાયેલ માત્ર પાણીને જ જોતાં જોતાં માણસ કંટાડે નહીં. દરિયામાં વચ્ચે તો સુ જોઈ લેવાના, દરિયાઈ પંખી જેને seagull તરીકે અંગ્રેજીમાં ઓળખાય એ સાથે સાથે ઉડતા આવે, ને બોટના લીધે પાણીમાં જે મોટા મોટા મોજા થાય એ જોવાનું, થાકો એટલે નીચે જગ્યા પર બેસી તારક મેહતા જુઓ, યાતો એકાદી સેન્ડવિચ ખાઈ લો. ત્યાં ૫ કલાકમાં આવી જશે ઘોઘા. સુરતથી ઘોઘા પહોચો એટલે એક અલગ જ દુનિયામાં પગ મુક્તા હોય એમ લાગે. મસ્ત હાઇટ પરના પુલ પરથી તમે બંદરમાંથી બહાર આવો, એટલે આસપાસ કઈ ખાસ જોવા જેવુ કઈ નહીં. એટલે મે ગૂગલબાબા ને કઈ દીધું અલંગ શીપ બ્રેકિગયાર્ડનો રસ્તો બતાવાનું, ગૂગલ બાબા થોડા વધારે સ્માર્ટ એટલે ગામડાનો રસ્તો બતાવ્યો, એટલે નાના રસ્તે ધીમે ધીમે અમે નિકડી પડયા અલંગ તરફ, રસ્તો એકંદરે સારો એટલે વધારે તકલીફ ના પડી અલંગ પહોચવામાં. અલંગ અમે સાઉથ દરવાજા તરફથી ઘુસ્યાં અને બ્રેકિગ યાર્ડ વાળાઓના દરવાજામાં થી જે થોડી ઘણી બોટ દેખાય એમ ફોટોને વિડિયો લેતા લેતા હજુ મેઇન ગેટ પાસે પહોચવાના હતા, ત્યાં અમને બે પોલીસવાળાઓ એ રોક્યા, એમને કોઈએ ફોન કરેલ કે બે યુરોપીયન અંદર ઘૂસી આવ્યા છે, ખબર નઇ કેમ પણ અહિયાં બહારના લોકોને અંદર આવાની મનાઈ હતી, એટલે પૂછપરછ કરતાં એમને ખબર પડી તો આ તો આપડા કાઠિયાવાડી ભાઈઓ છે, માસ્ક ને હેલ્મેટના લીધે નતા ઓળખાયા એટલે એમને એમના સાહેબને વાત કરી એટલે અમને આગળના રસ્તેથી અમારી આ પછીની મંજિલનો રસ્તો દેખાડયો, એમ બી અલંગમાં દરિયાકિનારે જવાય એવી કોઈ જગ્યા મળી નતી. એટલે અમે પણ સાંજે જલ્દી રાજુલા પહોચાય એટલે મેઇન ગેટ પરથી ત્રાપજ થઈને રાજુલા વાયા તળાજા મહુવા જવા નિકડી પડયા. રસ્તામાં એક દાદાના રસના ચિચોડે રસ પીધો એ ભી મસ્ત મજાના લોટામાં. રસ્તામાં તળાજા ગુફાઓ દૂરથી જોઈને અમારી ગાડી આગળ ચાલતી ગઈ. પહેલો દિવસ હતો એટલે એમ થાક નતો અને એટલા કિલોમીટર પણ નતા થયા એટલે તળાજાથી રસ્તામાં એક જગ્યા પર બગદાણાનું પાટિયું જોઈ ગયો એટલે એમ થયું કે બગદાણા જતાં આવી એમ ભી રસ્તામાં જ આવે એમ હતું, એટલે અમે નીકળી પડયા અમારી મિસ્ટર ભડભડ સાથે બગદાણા, બાપા સીતારામ ધામ તરફ, ત્યાં બાપા સીતારામના દર્શન કરીને થોડો વિસામો લઈને સીધા કુંભારિયા માટે ગાડીને દોડાવી. બગદાણાથી રાજુલા જવા માટે નિકડયા પણ રસતો નાકમાં દમ લાવી દેય એવો હતો,ત્યાં મોટા આસરાણાથી ડુંગર સુધી તો કહવા માત્રનો રસ્તો, એમ કહો તો ચાલે કે કપચી પર ચાલવાનું છેક સૂઘી એ પણ મોટા મોટા ખાડા સાથે, એ સિવાય ધૂળ ઊડે એ અલગ. એટલે હું તો તો પણ ગાડી ચલાવી લવ, ખાડા બચવાની રમત કરતાં કરતાં પણ પાછળ બેઠેલ ભઈલો કંટાડી ગયો, કેમ કે રોદા વાગે વધારે એટલે. એને મનમાં તો રાજુલા થી સુરતની બસ પકડી લેવાનું નક્કી કરી લીધેલ પણ. એક વાર વાત થાય પછી હું ક્યાં કોઈને પાછી પાની કરવા દવ. ડુંગરની કોલેટી ને કુલફી અમારે ત્યાં ખૂબ પ્રખ્યાત, એટલે ત્યાં કુલફી ખાતા જતાં હોય અમે પેલા ગામ આવતા ત્યારે, આ ફેરું એમ ભી મોડુ થયેલું એટલે કુલફી પડખે મૂકી અમે આગળ ચાલતા થયા. ડુંગરથી આગળ જતાં જમણી બાજુ કુંભારિયા, દેવકા અને રાજુલાનું પાટિયું જોયા પાછી નિરાંત થઈ. એ રસ્તો પણ ખૂબ જ સરસ, હજુ કેમ ગઈ કાલે જ મોદી કે રૂપાણી આવીને ગયા હોયને તાત્કાલિક રસ્તો બની ગયેલ હોય એવો. ત્યાંથી ગાડી ચલાવવાની મજા પણ વધી ગઈ, જોત જોતામાં અમારું ગામ કુંભારિયા આવી ગયું, ત્યાં મેલડી માનું મંદિર જ્યાં નાના હતા ત્યારે રોજ સાંજે દીવો કરવા આવતા, ત્યાં ગાડી ઊભી રાખી પગે લાગી. અમારા ઘર પાસેથી પસાર થઈ રાજુલા દક્ષા ટીચરના ઘર તરફ જતાં રહ્યા. ગામડે હવે એમ કોઈ રહતું નઇ, બા આતા સુરત આવી ગયા છે, એટલે ગામનું મકાન ભાડે આપેલ, પણ એ ટાઈમ પર કોઈ ભાડે રેહવાવાળું નતું એટલે ચાવી દક્ષા, મારા બાપુજીની છોકરી પાસે હતી. અમે રાતના આઠેક વાગે રાજુલા દક્ષાબેન ટીચરના ઘરે પહોચ્યા. આખા શરીરને કપડાં પર સૂંડલો ધૂળ ભરેલ, એટલે પેલા મસ્ત ગરમ પાણીથી નાઈને વયવસ્થિત થઈને ભાંજાભાઈ હિતાર્થ સાથે સમય વિતાવ્યો. અને બીજા દિવસે ગામમાં બીજા સંબધીને મળવા તેમજ મંદિર પર જવા માટે ફાળવ્યો, એટલે આરામભી થઈ જાય અને ગામમાં બધાને મલાય પણ જાય. કુંભારિયાથી સીધા દીવકુંભારીયા અમારા કુળદેવી અને દાદાના મંદિરે પગે લાગીને કરશન બાપા અને ગોબરબાપાના ઘરે ગયા. ગોબરબાપાને ત્યાં દેવબાઈકાકીએ અમે જમવાની ના પાડતા, તેમણે તાબડતોબ દેશી ઘીથી લચપચતી સુખડી બનાવી, બે ઢેફલા એ તો માણસ ઊંધો વળી જાય. ત્યાંથી પછી રાજુલા સમય ગાળ્યો, પીરયો ડુંગર જ્યાં કોમી એકતાનું પ્રતીક એવું ખોડીયારમાંનું મંદિર અને દરગાહ એક જ જગ્યા પર આવેલ છે. ત્યાંથી સવારે દીવ જાવા નીકળવાનું હતું એટલે સાંજેકના જલદી ડિનર કરી દિવસને ત્યાં જ અટકાવ્યો. સવારે આઠેક વાગે દીવ જવા નીકળી પડ્યા, મનમાં આગળના ખરાબ રસ્તાનો ડર હતો. પણ ખુશનસીબે રાજુલાથી ઉના વાળા રસ્તા પર વિકાસ ડાહ્યો રહ્યો છે, એટલે મસ્ત મજાનો રોડ હતો,અમુક જગ્યા પર જ કામ ચાલુ હોવાથી થોડી અગવડ પડી,પણ મોટા ભાગ નો રસ્તો ગાડી ચલાવવા માટે યોગ્ય કેહવાય,એટલે 70 કિલોમીટરનો રસ્તો રમતા રમતા કપાયો. દીવમાં એન્ટર થતાની સાથે જ ઘોઘલા બીચથી દરિયાની વિશાળતાના દર્શન કર્યા. ત્યાંથી સીધા જ નાગોઆ બીચ પર જતાં રહયાં ભડભડ પર ,ત્યાં હોટલ બુક કરી એ પણ બીચ પર એટલે સાંજે તેનો લાભ ઉઠાવી શકાય. પછી આખું દીવ ફર્યા, દીવ ફોર્ટ, બીજા બીચ અને આસપાસની જોવાજેવી જગ્યાઓ. સાંજે ચારેક વાગ્યે નાગોઆ બીચ પર વોટર સ્પોર્ટ્સની મજા લીધી. તેમાં વોટર બમ્પર અને જેટ સ્કીનો લહાવો લીધો. અને સૂર્યાસ્ત સુધી બીચ પર જ સમય પસાર કર્યો. આજના દિવસની રાઈડ એકદમ આરામદાયક અને ટૂંકી હતી, દીવમાં વધારે સમય પસાર કર્યો અને એ સમય માણ્યો પણ ખરો સાથે, રાઈડ પણ એન્જોય કરી. હવે કાલે લાંબુ અંતર કાપવાનું છે. કાલ માટે દિવથી દ્વારકા વાયા સોમનાથનો પ્લાન છે, આશા છે કે ત્યાં પણ રસ્તા સારા હશે. દીવથી દ્વારકા વાયા સોમનાથદિવથી વહેલી સવારે સુરજદાદાના દર્શન કરીને દરિયાના મોજાની મસ્તીને જોતા જોતા અંદાજે આઠેક વાગ્યે અમે નીકળ્યા દ્વારકા વાયા સોમનાથ જવા માટે. હળવો નાસ્તો કરીને હોટેલથી હું, મારો ભાઈ Mehul Sheladiya અને લાલ કલરનું ભડભડયુ નીકળી પડ્યા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે, જેટલા અમે ઘોઘાથી રાજુલા પહોંચ્યા ત્યારે હેરાન થયા તા એટલા જ અહીંયા મસ્ત એન્જોય કરતા કરતા સાડા અગિયાર વાગ્યે સોમનાથ મંદિરના આંગણે પહોંચી ગયા. ખૂબ જ સરસ રસ્તા જેના પર ગાડી માખણની જેમ લસરતી જાય. ત્યાં વેરાવળ નારિયેળ પાણી પીવું તો પુણ્ય મળે એવું શાસ્ત્રોમાં લખતા રહેવાય ગયું છે,બાકી શેરડીનો મીઠો મધુર રસ રસ્તા પર અમૃત સમાન ગણવું. સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે ઘણી સારી વ્યવસ્થા કરેલ છે. વિના મૂલ્યનું સામાન ઘર ને ફોન વગેરે સચવાય એ માટેની વ્યવસ્થા... એમાં પણ ચારજિંગ વાળા લોકર પણ હતા. લાઈનમાં બધા જ લોકો આરામથી દર્શન કરી ૨૦ થી ૩૦ મિનિટમાં બહાર નીકળી શકો. પાછળ અરબ સાગરનીં લહેરો પણ જોવા લાયક. સેક્યુરિટી પણ તાબડતોબ, બાકી ફોટો પડાવા લાઈનો લગાડતા ફોટોગ્રાઓફર્સ તો તેમના તેમજ,તમોને દૂર દૂરથી અવાજ કરી બોલાવશે. અહીંયા મંદિરે દર્શન કરી વધુ સમયના બગાડતા, નીકળી પડ્યા દ્વારકાધીશના શરણમાં. હાઇવે પર જમવા માટે પણ હોટેલ દ્વારકાધીશ જ રાખી. જબરદસ્ત ગુજરાતી થાળી અમે બંને ભાઈએ માણી અને નીકળી પડ્યા આગળના રસ્તે. વચ્ચે ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર પણ આવતું તું,પણ અગાઉ કિર્તમંદિરની મુલાકાત લીધેલ હોવાથી તેમજ સૂર્યાસ્ત પેહલા દ્વારકા પહોંચવાના મક્કમ સંકલ્પના કારણે પોરબંદરની બારોબાર થઈને દ્દ્વારકા પહોંચી ગયા. સાંજે સાડા છ જેવી સમય થયેલો, સીધા બીચ પાસેના વ્યુ પોઇન્ટ પર,ગાડી સાથે સૂર્યાસ્ત નિહાળ્યો. લાઈટહાઉસને અન્ય વ્યુ પોઇન્ટ પણ જોયા. ત્યારબાદ મંદિરની નજીક જ એક હોટેલમાં રાત રોકાવાની વ્યવસ્થા કરી, ત્યાં નાઈ ધોઈને મંદિર તરફ પ્રયાણ કર્યું… પણ ભીડ તેમજ ઇલેક્ટ્રોનિક સામાન સાથે હોવાથી, સવારે દર્શન કરવાનું ગોઠવ્યું. સીધા ડિનર કરી, સાંજે લાઈટહાઉસ પાસે દરિયાના મોજાના અવાજ સાંભળીને આ દિવસની યાત્રાને ત્યાં જ વિરામ આપ્યો. સાંજે જ બીજા દિવસની લાંબી યાત્રા માટે મન ને મક્કમ કરી જય દ્વારકાધીશ બોલીને ગૂડનાઇટ કરી લીધું. કાલે દ્વારકાથી કચ્છનો 400+ km રસ્તો છે,તો જોઈએ આ રોડટ્રીપ શુ શુ દેખાડશે. દ્વારકાથી કચ્છ (૪૦૦+ કિમી)જેમ આગળ કીધું એમ દ્વારકાથી કચ્છનો પ્લાન છે,આ દિવસની રાઈડ માટે. રસ્તો ઘણો લાંબો અને સુરજ દાદા પણ થોડા તાકાતવર કેમ કે ત્યાં આપણે કર્કવૃત રેખાની નજીક જતા જઈયે એટલે સુરજ દાદાની સીધી નજર આપડા પર પડે. વહેલા 7 વાગ્યે દ્વારકાધીશના આંગણમાં આરતીમાં સામેલ થઈ ખુલ્લા પગે નાસ્તો કરીને હોટેલમાંથી સમાન લઈને થઈ ગયા આ અઘરું કામ પાર પાડવા માટે. અમારો લક્ષ કચ્છમાં સાંજ સુધીમાં પહોંચવાનો હતો, કચ્છમાં ક્યાં એ રસ્તોને સમય નક્કી કરશે એવું હતું. રસ્તો સારો હોવાથી આરામથી અમે જામનગર બપોરે પહોંચી ગયાં, ત્યાં લખોટા તળાવ થોડો ઘણો આરામ કર્યો બોલે તો એક હોલ્ટ લીધો જ્યાં થોડું ઘણું જામનગર પણ જોઈ લીધું, કેમ કે મારું ભડભડ બરોબર જામનગર શહેરની વચ્ચેથી પસાર કર્યું અને આસપાસનું બધું જોતા ગયા. થોડું ટૂંકમાં પણ જામનગર પણ જોયું. પણ ૪૦૦ કરતા વધારે કિલોમીટર કાપવાના હોવાથી ધોરડો gpsમાં લગાવી ગાડી ચાલવા લાગી.પછી જેટલું કપાય તેટલું. જામનગરથી કચ્છમાં એન્ટર થતા ઘણો સમય લાગી ગયો...સાંજના સાડા સાત આસપાસ અમે ભુજમાં દાખલ થયા. હવે ત્યારે નક્કી એ કરવાનું હતું કે હવે ત્યાંથી ધોરડો કચ્છના સફેદ રણ સુધી જવું કે નહીં એ,જે બીજા બે કલાક ઉપરનો રસ્તો હતો. રાતે એ રણના રસ્તે ગાડી બગડે કે બીજો કોઈ પ્રોબ્લેમ આવે તો અઘરું પડે એટલે ભુજમાં જ રોકાવાનું નક્કી કર્યું. એ નિર્ણયમાં મેહુલભાઈના મિત્ર સિદ્ધાંતભાઈ એ ચા ના બહાને મદદ કરી અને તેમના ઘરે જ રોકાવા આગ્રહ કર્યો. તેમને ત્યાં દાદા-દાદી સાથે અલક મલકની વાતો સાથે સમય ખૂબ જ જલ્દી પસાર થયો. સાંજે થોડું ઘણું ભુજ પણ ફર્યા. હું પણ મારા ખાસ ઈવા ડૉક્ટર મિત્રને મળ્યો. આ રીતે દ્વારકાધીશના દર્શનથી શરૂ કરેલ દિવસ, દાદા દાદીના અનુભવો અને કિસ્સાથી અને જૂની મિત્રતાની મીઠાશથી પત્યો. બીજા દિવસે ભુજથી સફેદ રણનો સફર આરામથી નીકળી ગયો. ત્યાં ખાસ્સો ઇવો સમય બરફની ચાદર જેવા લાગતા રણમાં ફોટા પાડવામાં ને દૂર દ્દુર સુધીના મીઠાના થરને જોવામાં કાઢ્યો. અહીંયા ઓનલાઈન પરમીટ લેવી ફરજીયાત છે,જે ચેક કરવામાં આવે છે ફાઇનલ રણની એન્ટ્રી વખતે. બાકી તો રણોત્સવને એ બધું તો હતું જ, ધોરડોની રોનક વધારવા માટે. સફેદ રણ જોયા પછી નજીકમાં આવેલ કાળો ડુંગર જોવું એ ફરજીયાત કહી શકાય. એટલે રણની ખૂબસૂરતી પછી ગયા અમે કાળા ડુંગર પર. મસ્ત પહાડી રસ્તો તમને બાઈક ચાલવાની મજા આવે એવો, થોડું જોખમ પણ ખરું, ઢાળ ચડાવવો પડે એ ભી કાળજી પૂર્વક. આ પોઇન્ટ કચ્છનો સૌથી ઊંચો પોઇન્ટ,ત્યાંથી ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય. ઇન્ડિયા બ્રિજ તેમાંની એક. બાકી રણ વચ્ચે પાણીનું જળાશય દેખાય,ને બીજી બાજુ ધોળાવીરા જે તમને ગૂગલે મેપ્સમાં અંદાજો આવી જાય. માત્ર દિશા જ ખબર પડે. ત્યાંથી ડુંગર ઉતાર્યો મેગ્નેટિક ક્ષેત્રની તાકાતથી,બોલે તો ચાવી બંધ કરીને ગાડી ઉતારી, ઢાલ પણ ચડી ગયા. ખૂબ મજા આવી. ત્યાંથી ઇન્ડિયા બ્રિજ જઇને અમે નીકળી પડયા સિદ્ધાંત ભાઈના ઘર તરફ. આજ ના માટે આટલું જ નક્કી કર્યુ, કેમ કે કચ્છમાં જોવા લાયક ઘણું પણ,બધું એક બીજાથી ઘણું દૂર ,અને અલગ અલગ દિશા માં...એટલે બીજા દિવસે ધોળાવીરાની મુલાકાત લઈ,અમારી સવારી સુરતની દિશામાં લઇ જવાનું આયોજન કર્યું. બાકી શોખીન રાઈડરો માટે કચ્છ જેવા રસ્તા બીજે કશે મળશે નહીં. ખૂબ જ એન્જોય કરી મેં આ રાઈડ. આખા ટ્રીપની બેસ્ટ રાઈડ... સ્પીડ અને રસ્તાની દ્રષ્ટિએ. તો ચાલો મળીયે ટૂંક સમયમાં આગળના દિવસની માહિતી સાથે. તમારો કોઈ કચ્છ અથવા બુલેટ ટ્રીપ ને લગતો અનુભવ હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. ધોળાવીરાથી સુરત તરફ વાયા ઘણુંબધુતો હવે વાત આવી ગઈ આ યાદગારક સફરને અંતિમ પડાવ પર લઈ જવાનું. પણ છેક કચ્છમાં આવ્યા હોય અને ધોળાવીરાને જોયા વગર જવું મને વ્યાજબી ના લાગ્યું, એટલે સુરત તરફ ગાડી વાળતા પેહલા, એક ૯૦ કિમીનો કટકો આવાનો અને જવાનો ઉમેરવો પડ્યો. સવારે થોડી થોડી આળસ કરતા કરતા મોડું કર્યું, એટલે ૧૦ વાગ્યે સિદ્ધાંતના ઘરેથી અમે દાદા દાદીના આશીર્વાદ લઈને ધોળાવીરા તરફ ધીમે ધીમે ભડભડયુ વેતું મેલી દીધું. બપોરે ત્રણેક વાગ્યે ત્યાં પહોંચ્યા, ભારે તડકાની વચ્ચે અમે હડપ્પા સંસ્કૃતિની ઝલક મેળવી, જુના અવશેષો જોયા, મ્યુઝિયમમાં પડેલ વસ્તુઓ નિહાળી ત્યાં બેક કલાક જેવો સમય વિતાવ્યો અને નીકળી પડ્યા સુરતના રસ્તે. સાંજે જ્યાં પહોંચાય ત્યાં રાત રોકાશું એવું નક્કી કરેલ. રાપર કચ્છી ડબલ રોટીનો નાસ્તો કરી હાઇવે પકડી લીધો, નાનો અંધારિયા હાઇવે પર, ટ્રકોની વચ્ચે રસ્તો નિકાલતા નિકાલતા રાધનપુર પહોંચ્યા ત્યાંતો રાતના દસ વાગી ગયા. આ આખી ટ્રીપની પહેલી રાતની રાઈડ કહી શકાય. રાધનપુર રોકાવાનું મન નતું, એટલે પપ્પાના પાટણના મિત્રની હોટેલ કમ ગેસ્ટ હાઉસમાં ફોન પર રોકાવાનું નક્કી કર્યું. હવે ગુગલબાબાએ પાટણનો અંધારીયો સ્ટેટ હાઇવે બતાવ્યો,ત્યાં મારી ભડભડ સિવાય કોઈ બીજું વાહન નઈ, ગામ નજીક છુપા રુસ્ટમ બમપરિયા અને ભસતા કુતરાઓ,બાકી બીજું કાંઈ નઈ. કુતરાઓ તો પાછળ પડે ને ભાઈને પરસેવો છૂટી જાય. પણ મેં થોડી હિંમત બતાવી કૂતરાઓને ઇગ્નોર કરતા કરતા રાતના બાર વાગ્યે પાટણ પહોંચાડી દીધા. ગેસ્ટહાઉસમાં પહોંચી સીધા સુઈ જ ગયા,કેમ કે સવારના બાઈક પર હતા, એક બે કલાક સિવાય. પાટણ હતા એટલે રાની કી વાવ જોયા વગર તો જવાનું હતું નઈ, એટલે વહેલી સવારે સીધા ત્યાં પહોંચી ગયા, થોડો સમય ત્યાં ગાળ્યો, વર્લ્ડ હેરીટેજ સાઈટની ખૂબસૂરતી નિહાળી. પછી નીકળી પડ્યા અમે સુરતના રસ્તે. પાછું વચ્ચે ભાઈને નજીક મોઢેરા આવે છે એ ખ્યાલ આવતા ગાડી વાળી લીધી મોઢેરા તરફ. ટોટલ ૩૦ કિમિ વધારે થયું સૂર્ય મંદિર સુધી આવા જવાનું.. પણ આ વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ ખૂબ જ સુંદર દેખાય છે. ખૂબ જ મજા આવી ત્યાં ફોટો અને સૂર્યમંદિરને જોવાના. આ સિવાય પેહલા ચુડેલ માતાના મંદિરે પણ દર્શન કરી લીધા,મમીની ઈચ્છા હતી એટલે.
પછી એમ નક્કી કર્યું કે સાંજે સીધા સુરત પહોંચવું ત્યાં સુધી કશે ટાઈમ ખોટી નઇ કરવું. રસ્તો સીધો હતો, ગરમી વધારે હતી, રસ અને નાળિયેર પાણી પીતા પિતા ફૂલ સ્પીડ પર સુરત સાંજે ૮ વાગ્યે ઘરે મમીના દર્શન કરી મેં આ અમારી બે ભાઈઓની આ બુલેટ ટ્રીપને પૂર્ણવિરામ આપ્યો. સુરતથી ઘોઘા, તળાજા, બગદાણા, કુંભારીયા, રાજુલા, દીવ, સોમનાથ, દ્વારકા, જામનગર, ભુજ, સફેદ રણ, કાળો ડુંગર, ધોળાવીરા, ઇન્ડિયા બ્રિજ, ધોળાવીરા, પાટણ, રાની કી વાવ, ચુડેલ માતા મંદિર, મોઢેરા, સૂર્ય મંદિર ફરતા થયા ૨૫૦૦ કરતા વધારે કિલોમીટર અને સાથે લઈને આવ્યા ઘણી બધી યાદ કરવા લાયક વાતો. પેટ્રોલનો ભાવ પણ એક મુદ્દો હતો, પણ અમે ઓછો નાસ્તો કર્યો હશે પણ મિસ્ટર ભડભડને ફૂલ ટેન્ક સિવાય છૂટકો નહીં. તો હવે આ ટ્રીપની આ છેલ્લી પોસ્ટ અને છેલ્લી યાદો સાથે બધાંનો આભાર માનીને અહીં જ આ વાર્તાને પટાવીશ.બાકી કાઈ કેહવું જાણવું હોય તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. બાકી આવજો. મળીશું કોઈક નવા સાહસ અને નવી વાર્તાઓ સાથે. |
અંકિત
|